Skip to main content

શહીદો માટે માત્ર આટલું કરીએ.

પુલવામાનો આતંકી હુમલો ચોક્કસ એક હ્રદયદ્રાવક ઘટના છે. પણ, તે પછીના પબ્લિક રીએક્શન ખોટી દિશાના હોય તમે લાગે છે .
દેશભક્તિનો ક્ષણિક ઉભરો આવવો, એ સદંતર ઉભરો આવવો જ નહી એ કરતાં તો સારી બાબત છે. પણ એ ઉભરો ચોક્કસ જગ્યાએ ઠલવાય તો તેનો અર્થ સરે. સોશિયલ મીડિયા પર કાગારોળ મચાવવાથી કે બદલાની ભાવના દર્શાવવાથી કોઈનું ભલું થવાનું નથી. એટલીસ્ટ શહીદોના પરિવારનું તો નહી જ.
આ હુમલા પછીના આગળના એક્શન્સ ગવર્ન્મેન્ટને લેવા દો. તેમની પાસે સોર્સીસ, રીસોર્સીસ, અનુભવ, અનુભવી સલાહકારો-વ્યૂહરચનાકારો પણ છે. તેથી આગળ શું કરવું તેનો નિર્ણય તેમના પર જ છોડીએ. ચોક્કસ તેઓ જે કરશે તે દેશહિતમાં જ કરશે.
પણ અત્યારે મીડિયા કે સરકારને નહી, શહીદોના પરિવારને આપણી જરૂર છે. અને એ પણ માત્ર સાંત્વનાના રૂપમાં નહી. કશાક નક્કર, મક્કમ પગલાં ભરીને. લોકોની યાદશક્તિ બહુ ક્ષણિક હોય છે. બહુ જ થોડા સમયમાં આપણે સહુ આ હિચકારો હુમલો ભૂલી જશું. જે નહિ ભૂલી શકે તે આ શહીદોની પત્નીઓ, દીકરીઓ, માતા કે બહેનો, પુત્રો કે બાપ. કારણ તેમને માટે એક બીજો પણ સંઘર્ષ શરુ થશે. એ છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રશ્ન, પોતાની દીકરી-દીકરાના લગ્નનો પ્રશ્ન, પોતાના પેટના ખાડાને પૂરવાનો પ્રશ્ન, પોતાના અભ્યાસને ચાલુ રાખવા કે આગળ વધારવાનો સંઘર્ષ, સાસુ સસરાના આરોગ્યના ખર્ચનો પ્રશ્ન. અને તે માટે તેઓને આપણી મદદ જોઇશે. અને સદનસીબે આપણે તેઓને શોધવા જવાની પણ જરૂર નથી. સરકારે ઓલરેડી તે માટેના પગલાં ઉઠાવેલ છે આપણે ફક્ત થોડી ક્લિક્સ કરવાની છે.
તમને યાદ હોય તો અક્ષયકુમારે થોડા સમય પહેલા એક વિડીયોમાં સરકારને આઈડિયા આપેલો અને એ જ આઈડિયા પર તુરંત અમલ કરી સરકારે(મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સે) એક સાઈટ બનાવી https://bharatkeveer.gov.in/
આ સાઈટ ખુબ જ સરળ અને સરસ બનાવી છે. જેમાં શહીદોના પરિવારને પંદર લાખ રૂપિયા સુધીના ટ્રાન્સફર થાય છે. આ સાઈટ પર જવાથી આપણે દરેક શહીદના ફોટા સાથે તેની બધી ડીટેઈલ્સ આવી જાય છે જેમાં ક્લિક કરવાથી આપણે તે ચોક્કસ શહીદના ડાયરેક્ટ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી શકીએ છીએ. જો આમ ના ફાવે તો ડાયરેક્ટ ‘ભારત કે વિર’ ફંડમાં રૂપિયા જમા કરાવી શકીએ છીએ. જે સીનીયર ગવર્ન્મેન્ટ ઓફિસર્સની દેખરેખ હેઠળ જવાનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે(હવે આમાં પણ આપણે શંકા કરીએ કે એ શહીદોના પરિવારને મળશે કે નહી તો આપણે સોશિયલ મીડિયા પર કોલાહલ કરવાનો કોઈ હક્ક ખરો? એમણે આ ઓપ્શન માત્ર આપણી સુવિધા માટે રાખેલ છે)
અને આ ફંડની એક બીજી સારી બાબત છે કે જે શહીદના પરિવારને પંદર લાખ રૂપિયાની સહાય ભેગી થઇ જાય તેઓ આ લીસ્ટમાંથી નીકળી જાય. ઉપરાંત સાઈટ બનાવતાં એ પણ ધ્યાન રખાયું છે કે જેમના પરિવારને ઓછી રકમ ભેગી થઈ હોય તેમની ડીટેઇલ ઉપર બતાવે અને એમ આગળ ચડતા ક્રમમાં આગળ વધે. આ ફંડ સાતે સાત આર્મ્ડ ફોર્સીસના જવાનો માટે છે તેથી દરેક ફોર્સીસને પેમેન્ટ કરવા આપણે બહુ મહેનત કરવાની પણ જરૂર નથી. હજુ એક સારી બાબત એ કે એપલ કે એન્ડ્રોઇડ ડિવાઈસ માટે એપ પણ અવેલેબલ છે. આટલી સારી બાબતો પછી એક ખટકે તેવી વાત પણ છે, જો કે તેણે ખટકે તેવી કહેવી કે સુખદ કહેવી એ તમારા પર છોડું છું. ચૌદ તારીખ પછી સતત આ સાઈટ પર ટ્રાફિક રહેવાથી ઘણીવાર આ એપ કે સાઈટ ખુલતી નથી. જો કે, અમુક કલાકોના અંતરાલ બાદ કોશિશ કરતા રહેવાથી એ ખુલે છે અને ડોનેશન થઇ શકે છે.
આશા રાખું સતત બુમ બરડા પડવા કરતાં કે સરકારને સલાહ આપવા કરતાં અહીં એક્શન લેતા લોકોની સંખ્યા વધુ હશે.

Comments